બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધની માગણી હાઇકોર્ટે ફગાવી
બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધની માગણી હાઇકોર્ટે ફગાવી
Blog Article
બાંગ્લાદેશ હાઈકોર્ટે ગુરુવારે દેશમાં ઈસ્કોનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુરક્ષા જવાનો અને હિન્દુ નેતાના સમર્થકો વચ્ચેની અથડામણમાં એક વકીલના મોત પછી આવી અરજી થઈ હતી.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારો વચ્ચે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક અરજી બુધવારે હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. આ અરજીમાં વધુ અશાંતિને રોકવા માટે ચિત્તાગોંગ અને રંગપુરમાં ઇમર્જન્સી લાદવાની પણ માગણી કરાઈ છે. હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં આ બંને શહેરોમાં હિંદુઓ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
એટર્ની જનરલ ઑફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “જસ્ટિસ ફરાહ મહબૂબ અને દેબાશિષ રોય ચૌધરીની બે-સભ્યોની હાઇકોર્ટ બેન્ચે ગુરુવારે બાંગ્લાદેશમાં ઇસ્કોનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.”આ સપ્તાહની શરૂઆતમાં ચટ્ટોગ્રામમાં સરકારી વકીલ સૈફુલ ઈસ્લામ અલિફના મૃત્યુ અંગે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે એટર્ની જનરલની કચેરીએ અહેવાલ રજૂ કર્યા પછી બેન્ચે આ નિર્ણય લીધો હતો.
ઢાકા એરપોર્ટ પર 25 નવેમ્બરે અગ્રણી હિન્દુ અને ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ કરાઈ હતી. તે પછી થયેલી હિંસામાં એક વકીલનું મોત થયું હતું અને અનેક ઘાયલ થયા હતા.ધાર્મિક લઘુમતીઓના અધિકારો અને સુરક્ષાની હિમાયત કરવા માટે જાણીતા સાધુ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે અને જામીન નકારવામાં આવ્યા છે.